Rain in Navratri: અમદાવાદમાં પણ વાતાવરણ પલટાયું હતું.
શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદી વાદળો ઘેરાયા હતા ત્યાં જ ઓઢવ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

મેઘરાજા નવરાત્રિ દરમિયાન વરસાદી રમઝટ કરવાના મુડમાં છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે.
ત્યારે ખેલૈયાઓના રંગમાં મેઘરાજા ભંગ પાડી શકે છે! આજે પણ આકાશમાંથી કાળા ડિબાંગ વાદળો આવ્યા અને ખેલૈયાઓએ કરેલી નવરાત્રિની તૈયારીઓના રંગમાં ભંગ પાડ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
નવરાત્રિના પહેલા જ દિવસથી મેઘરાજાએ વરસાદી રમઝટ કરતા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ છવાયો છે.
ખેલૈયાઓની ચિંતા અહીંથી જ નથી અટકવાની હવામાન વિભાગે કહ્યું છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે ત્યાં જ સૌરાષ્ટ્રમાં 3 દિવસ વરસાદી માહોલ રહેશે.
હવામાન વિભાગે અગાઉ કરેલી આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ આજે પોતાની હાજરી પુરાવી દીધી છે.
નવરાત્રીના પહેલા જ દિવસે વરસાદ વરસતાં ખેલૈયાઓ નિરાશ થયા છે.

હવામાન વિભાગે નવરાત્રી દરમિયાન કરેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે.
વિદાયના સમયે મેઘરાજાએ સુરત જિલ્લામાં પણ રમઝટ બોલાવી છે.
ઓલપાડ પંથકના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા પાણી પાણી થયું છે.
ઓલપાડ, કરમલા, માસમાં સહિતનાં ગામોમાં વરસાદ વરસ્યો છે.
વરસાદના કારણે ગરબા આયોજકો ચિંતામાં પડી ગયા છે.
નવરાત્રીના પહેલા દિવસે જ વરસાદ વરસતા નવરાત્રિના આયોજકોમાં ચિંતા વ્યાપી ગઇ છે.

આ તરફ અમદાવાદમાં પણ વાતાવરણ પલટાયું હતું.
શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદી વાદળો ઘેરાયા હતા ત્યાં જ ઓઢવ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
શહેરના નવાવાડજ, અમરાઇવાડી અને ઓઢવ વિસ્તારમાં વરસાદ પડતા ખેલૈયાઓ મૂંઝવણમાં મૂકાયા હતા.

બીજી તરફ વરસાદે ભાવનગર પંથકને ધમરોળી નાખ્યો છે.
અહીં ક્યાંક વીજળીના કડાકા ભડાકા તો ક્યાંક લાઈટ ગુલ થઈ ગઇ છે. ભારે પવન, વીજળીના કડાકા ભડાકા સાથે ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.
ભાવનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરતા વરસાદની રમઝટ બોલાવી છે.
ત્યાં જ હવામાન વિભાગની ચિંતાજનક આગાહી અનુસાર નવરાત્રિમાં ખેલૈયાઓની સાથે વરસાદ પણ રમઝટ બોલાવશે.