મેળામાંથી જાદુની કીટ ખરીદી જાદુની શરૂઆત કરેલા ભુજના યુવા જાદુગરે ખૂબ નાની વયે ધ ગ્રેટ કે લાલ મેજિક ફેસ્ટિવલમાં 350 જાદુગરોમાં પ્રથમ સ્થાન મેળવ્યું
Kutch: કચ્છના યુવાનોએ દરેક ક્ષેત્રમાં કાંઠું કાઢ્યું છે ત્યારે ભુજના એક યુવાને જાદુગરી જેવા કલાત્મક ક્ષેત્રમાં વિશેષ નામના મેળવી છે.
વિશ્વના મહાન જાદુગરોમાં જેમનો નામ લેવાય તેવા ગુજરાતના જાદુગર કે લાલ ની સ્મૃતિમાં યોજાયેલ ધ ગ્રેટ કેલાલ મેજીક ફેસ્ટિવલમાં ભુજના યુવા જાદુગર પ્રિન્સ વિવેક ગોસ્વામીએ મેદાન મારી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.
સેકંડના દસમા ભાગમાં કપડા બદલ્યા તો તેના રંગો પણ બદલ્યા
ગત 23મી સપ્ટેમ્બરે જાદુગરોના બેતાજ બાદશાહ વિશ્વના ખ્યાતનામ જાદુગર કે લાલની દસમી પુણ્યતિથિ નિમિત્તે ગુજરાત યુથ મેજિશિયન તરફથી દીવમાં બે દિવસીય ધ ગ્રેટ કેલાલ મેજીક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ભારતમાંથી 350 થી વધારે જાદુગરો સામેલ થયા હતા. માત્ર એટલી જ નહીં પરંતુ અનેક વિદેશી જાદુગર પણ આ ફેસ્ટિવલમાં જોડાયા હતા.
ભૂજના આ યુવાને મેજિક શો જીતીને જિલ્લાનુ નામ રોશન કર્યું
આ મેજિક ફેસ્ટિવલમાં સિનિયર જાદુ સ્પર્ધામાં ભુજના યુવા જાદુગર પ્રિન્સ વિવેક ગોસ્વામીએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પોતાની પાંચ મિનિટના પ્રદર્શનમાં પ્રિન્સે અનેક વખત સેકંડના દસમા ભાગમાં કપડા બદલ્યા તો તેના રંગો પણ બદલ્યા.
તદુપરાંત વસ્તુઓ ગાયબ કરવી, તેને પરત લાવવી અને તેને એક અલગ જ વસ્તુમાં બદલી નાખવી જેવા રોમાંચક જાદુ દર્શાવ્યા હતા. પ્રથમ સ્થાન મેળવ્યા બદલ તેમને ટ્રોફી, રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર આપી સન્માનવામાં આવ્યા હતા.
જાદુગર પ્રિન્સ વિવેક ગોસ્વામીએ 2008ની સાલમાં જાદુ જગતમાં પ્રથમ પગ મૂક્યો હતો. મેળામાં લીધેલી જાદુની કીટ થકી તેમને જાદુ શીખવાનું આકર્ષણ થયેલું.
અત્યાર સુધી તેમણે ત્રણ વખત નેશનલ એવોર્ડ પાંચ વખત રાજ્યકક્ષા તેમજ જિલ્લા કક્ષાના એવોર્ડ મેળવી ચૂક્યા છે. કોર્પોરેટ શો, પ્રોડક્ટ લોન્ચ, મેરેજ ફંક્શન, બર્થ ડે પાર્ટી વગેરેમાં અત્યાર સુધી 5000 થી વધારે શો કરી ચૂક્યા છે. મેન્ટાલીઝમ (માઈન્ડ રીડિંગ) માં પણ તેઓ સારી કુશળતા ધરાવે છે અને એક સારા એન્ટરટેનર પણ છે.
ઉલ્લેખનીય છે કે જાદુગર પ્રિન્સને આગામી ડિસેમ્બર મહિનામાં થાઈલેન્ડમાં યોજાનાર મેજીક ફેસ્ટિવલમાં આવવાનું આમંત્રણ ત્યાંના ઓર્ગેનાઇઝર જાદુગર મમાડા દ્વારા આપવામાં આવ્યું હતું.
દીવ મેજીક ફેસ્ટિવલમાં ગુજરાત યુથ મેજિશિયનના ચેરમેન સમીર પટેલ તેમજ ચીફ ઓર્ગેનાઇઝર જાદુગર પાસાને કચ્છ મેજીક એકેડમીના પ્રમુખ જાદુગર રોબર્ટ સાથે મહાવીર, જ્વાલા, દિનેશ ભરતવાલા, સુરેશ રાસ્તે, વિજય ઉપાધ્યાય, ગોરધન રાઠોડ વગેરે દ્વારા સન્માન પત્ર તેમજ સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા.