સુરેન્દ્રનગરના કોઠારીયા ગામમાં થોડા દિવસ પહેલા વજા ભગતના આશ્રમમાં ગૌશાળાના લાભાર્થે ભાગવત કથાનું આયોજન થયું હતું

દરમિયાન એક દિવસ રાત્રે કીર્તિદાન ગઢવીનો ડાયરો પણ હતો. જેમાં તેમણે કથાકાર જિગ્નેશદાદાનું પ્રખ્યાત ભજન 'ઘરે જાવું ગમતું નથી' ગાયું હતું.

આ સાંભળીને ડાયરામાં હાજર કમો ઉર્ફે કમલેશભાઈ મોજમાં આવી ગયા હતા અને આસપાસની દુનિયાને ભૂલીને પોતાની જ મસ્તીમાં નાચવા લાગ્યા હતા.

દરમિયાન કીર્તિદાન ગઢવીનું તેની તરફ ધ્યાન ગયું હતું. તેમણે તેને બોલાવીને નામ પૂછ્યું હતું. 

બાદમાં તે દિવ્યાંગ હોવાની જાણ કીર્તિદાનને થઈ હતી. કમાથી ખુશ થઈને કીર્તિદાને તેને 2 હજાર રૂપિયા આપ્યા હતા.

કમાનો કીર્તિદાન સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તેની લોકપ્રિયતા વધવા લાગી હતી.

કીર્તિદાન ઉપરાંત કોઈપણ ગુજરાતી લોકકલાકાર પોતાના કાર્યક્રમમાં કમાને બોલાવે છે. કમાના મોટાભાઈ તેને કાર્યક્રમમાં લઈ જાય છે.

ડાયરા ઉપરાંત કમાને ઉદ્ઘાટનમાં પણ બોલાવાય છે. દરેક પ્રસંગે કમો હોંશેહોંશે જાય છે.

થોડા દિવસ પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં કમો કીર્તિદાન ગઢવી સાથે હાજર રહ્યો હતો. કમાના સોશિયલ મીડિયા પેજ પર મુખ્યમંત્રી સાથેનો તેનો વિડીયો પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં તે લોકોનું અભિવાદન કરી રહ્યો છે.